Ranjit Patel
Quick Facts
Biography
રણજિતરામ મોહનલાલ પટેલ ‘અનામી’ (૨૬-૬-૧૯૧૮) : કવિ, ગદ્યકાર, વિવેચક. જન્મ ગાંધીનગર જિલ્લાના ડભોડામાં. ૧૯૪૨માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૪માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૬માં મ. સ. યુનિવર્સિટી, વડોદરામાંથી મલયચન્દ્રકૃત ‘સિંહાસનબત્રીસી’ પર પીએચ.ડી. ગુજરાતની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા પછી ૧૯૫૮ થી ૧૯૭૭ સુધી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં રીડર, પ્રોફેસર અને અધ્યક્ષ.
એમના કાવ્યસંગ્રહો ‘કાવ્યસંહિતા’ (૧૯૩૮) અને ‘ચક્રવાક’ (૧૯૪૬)માં મુખ્યત્વે પ્રણયકાવ્યો છે. ‘સારસ’ (૧૯૫૭)માં આકાશવાણી પરથી રજૂ થયેલાં ગીતો સંગૃહીત છે. ‘સ્નેહહશતક’ (૧૯૫૭)માં છંદોબદ્ધ ને ગેય એવાં સો નાનાં કાવ્યોનો સમાવેશ છે. ‘પરિમલ’ એમણે પોતે ચૂંટેલી પોતાની પ્રતિનિધિ કાવ્યરચનાઓનો સંચય છે. ‘રટણા’(૧૯૮૩) કાવ્યસંગ્રહમાં પ્રકૃતિ, ઈશ્વર અને ભક્તિ પ્રધાનસ્થાને છે. ‘ભણેલી ભીખ અને બીજી વાતો (૧૯૫૭) નવલિકાસંગ્રહમાં આકાશવાણીના મજૂરવર્ગ માટેના કાર્યક્રમોમાં રજૂ થયેલી એકવીસ વાતો સંગૃહીત છે, જેમાં સત્યઘટનાનો અંશ વધુ છે.
એમના વિવેચનગ્રંર્થોમાં ‘મણિલાલ શતાબ્દી ગ્રંથ’ (સંપાદન, ૧૯૫૮), ‘શામળ’ (૧૯૬૧), ‘સિંહાસનબત્રીસી’ (૧૯૭૦) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ’ (૧૯૫૮) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘રણજિત રત્નાવલિ’ (૧૯૩૫), ‘ત્રિવેણી’ (૧૯૫૭), ‘ટાગોરનું જીવનકવન’ (૧૯૬૫) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં છે.
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.