Nrisinhdas Vibhakar
Quick Facts
Biography
વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ (૨૫-૨-૧૮૮૮, ૨૮-૫-૧૯૨૫) : નાટ્યકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૦૮માં મુંબઈ યુનિવર્સિટિમાંથી બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં ઇંગ્લૅન્ડ જઈને બેરિસ્ટર થયા પછી સ્વદેશ આવીને મુંબઈમાં વકીલાત. સાહિત્યમાં રુચિ અને રંગભૂમિના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો. ૧૯૨૩માં ‘રંગભૂમિ’ ત્રૈમાસિકનો આરંભ.
વ્યવસાયી નાટ્યશૈલીમાં સુધારો કરવાની ભાવનાથી પ્રેરાઈને એમણે નવીન પ્રગતિશીલ વિચારસરણીવાળાં નાટકો આપ્યાં છે. પ્રથમ નાટક ‘સિદ્ધાર્થ બુદ્ધ’ (૧૯૪૧)માં પૌરાણિક વિષયને એમણે નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. એમનાં અન્ય નાટકોમાં નવયુગની સામાજિક મહત્વાકાંક્ષાઓ તથા સ્વદેશભાવનાનું નિરૂપણ થયું છે. ‘સ્નેહસરિતા’ (૧૯૧૫)માં સ્ત્રીઓનાં અધિકારનો પ્રશ્ન ચર્ચાયો છે. ‘સુધાચંદ્ર’ (૧૯૧૬)માં સ્વરાજની ભાવના તથા ‘મધુબંસરી’ (૧૯૧૮)માં હોમરૂલ લીગની ચળવળનું આલેખન છે. મજૂરોની જાગૃતિને વિષય બનાવતું ‘મેઘમાલિની’ (૧૯૧૮) અને ‘અબજોના બંધન’ (૧૯૨૨)માં પણ એમનું સુધારવાદી માનસ પ્રગટ થાય છે. નાટકોની સાહિત્યિક ગુણવત્તા અને અભિનેયતાના સુમેળ માટે તેઓ સતત સભાન રહ્યા છે. જુસ્સાભર્યા, સંસ્કારી ભાષાવાળા સંવાદોએ એમનાં નાટકોને સફળ બનાવ્યાં છે. રંગભૂમિ પરના ખોટા ભભકભર્યા ઠઠારા દૂર કરીને તથા કૃત્રિમ ‘બેતબાજી’ને બદલે સ્વાભાવિક જીવંત સંવાદો આપીને રૂઢ નાટ્યરીતિને સુધારવાનો એમણે હંમેશા આગ્રહ રાખ્યો છે. ‘આત્મનિવેદન’ (૧૯૨૪)માં એમણે પત્રકાર તરીકે લખેલા લેખો સાહિત્ય અને કળા, સમાજ, રાજકારણ અને પ્રકીર્ણ એમ ચાર વિભાગમાં આપેલા છે. ‘નિપુણચંદ્ર’ (૧૯૨૪) એમની ભાવનાપ્રદાન નવલકથા છે. (-નિરંજન વોરા)
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.