Mohanlal Dave
Quick Facts
Biography
મોહનલાલ પાર્વતીશંકર દવે (૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન.
એમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’ (૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’ (૧૯૪૨); મહંમદ પયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને મહર્ષિ દયાનંદનાં જીવનચરિત્રો આપતું ‘વીરપૂજા’ (૧૯૪૧) તેમ જ ‘લેન્ડોરની જીવનકથા’ (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ગદ્યકુસુમો’ (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૧) નું સંપાદન કર્યું છે. ‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો’–ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), પ્રો. મેકડૉનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૨૪), ‘મહાભારતની સમાલોચના’ (૧૯૧૪) વગેરે એમના અનુવાદો છે.