Deepak Mehta
Quick Facts
Biography
મહેતા દીપક ભૂપતરાય (૨૬-૧૧-૧૯૩૯) : વિવેચક, અનુવાદક. જન્મસ્થળ મુંબઈ. ૧૯૫૭માં મુંબઈની ન્યુ ઈરા સ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૬૩ થી ૧૯૭૪ સુધી કે.જે. સોમૈયા કૉલેજ, મુંબઈમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૭૪-૧૯૭૬ દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક. ૧૯૭૬ થી ૧૯૮૨ સુધી યુ.એસ. લાયબ્રેરી ઑવ કૉંગ્રેસ, નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ અને પછીથી કાર્યકારી અધ્યક્ષ. ગુજરાતી સાહિત્ય સભા, દિલ્હીના સંવાહક.
એમણે ‘નવલકથા : કસબ અને કલા’ (૧૯૭૬) તથા ‘કથાવલોકન’ (૧૯૭૮) એ બે વિવેચનગ્રંથો ઉપરાંત ‘રમણલાલ વ. દેસાઈ’ (૧૯૮૦) નામક લઘુપ્રબંધ આપ્યો છે. ‘પરીકથામાળા’ (અન્ય સાથે, ૧૯૮૦), ‘સબરસ કથામાળા’ (અન્ય સાથે, ૧૯૭૭) એમનું બાળસાહિત્ય છે. ‘શામળની કવિતા’ (૧૯૭૨), ‘જગતની શ્રેષ્ઠ નવલકથાઓ’ (૧૯૭૫) અને ‘રમણલાલ વ. દેસાઈ’ (૧૯૭૯) તથા ‘કનૈયાલાલ મુનશી’ જેવી પરિચય પુસ્તિકાઓ એમણે લખી છે. આ ઉપરાંત ૧૯૬૦ થી ૧૯૮૦ દરમિયાન પ્રગટ થયેલી નવલકથાઓની શીર્ષકસૂચિ ‘કથાસંદર્ભ’ (અન્ય સાથે, ૧૯૮૪), ‘સમિધ’ (અન્ય સાથે, ૧૯૬૫) અને ‘માતૃવંદના’- ભા. ૧-૨ (૧૯૮૩) જેવા સંપાદનો પણ આપ્યાં છે. મરાઠીમાંથી ‘માહીમની ખાડી’ તથા અંગ્રેજીમાંથી ‘એક કોડીનું સ્વપ્નું’ (૧૯૭૯) અને ‘સરદાર પટેલનો પસંદ કરેલો પત્રવ્યવહાર’ : ૧-૨ (૧૯૭૭) એ એમના અનુવાદો છે. (- રમેશ ર. દવે)
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.