Urmi Parikh
Quick Facts
Biography
ઊર્મિ રસિકલાલ પરીખ (જન્મ ૨૯ માર્ચ ૧૯૪૮) ગુજરાતનાં ચિત્રકાર છે. તેઓ ગુજરાતના અગ્રગણ્ય ચિત્રકાર રસિકલાલ પરીખનાં પુત્રી છે.
પ્રારંભિક જીવન
ઊર્મિ પરીખનો જન્મા જન્મ ૨૯ માર્ચ ૧૯૪૮ના રોજ થયો હતો. બાળપણથી જ તેમણે પોતાના ચિત્રકાર પિતા રસિકલાલ પરીખ પાસેથી ચિત્રની તાલીમ લેવી શરૂ કરી હતી. મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે શેઠ સી. એન. ફાઇન આર્ટસ કૉલેજમાં ચિત્રકળાના ડિપ્લોમાનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે ત્યાં જ ચિત્રકળાનું શિક્ષણ આપવાનું કાર્ય કર્યું.
કાર્ય
ઊર્મિ પરીખના શરૂઆતના ચિત્રો પર પરંપરાગત ભારતીય ચિત્રશૈલી અને પિતા રસિકભાઈની અસર હતી. ત્યારબાદ તેમણે પ્રયોગશીલ ચિત્રો રચ્યા અને ચિત્રોમાં અમૂર્ત કળા પ્રયોજી અને છેલ્લે પીંછીના લસરકે માનવપાત્રોનાં બિંન-અકંકૃત સ્વરૂપો સર્જતી રચનાશૈલી પર તેઓ સ્થિર થયા. આ શૈલીમાં જ તેમનું મુખ્ય પ્રદાન રહ્યું. તેમની આ રચનાશૈલી અમૃતા શેરગીલની ચિત્રશૈલીથી ઘણી મળતી આવે છે. કરુણા નીતરતી આંખોવાળાં માનવપાત્રો, ઘેરા અને કાળા રંગોના સમન્વયથી ઊભું થતું દિવ્યા વાતાવર તથા એ બધાંના સહયોગથી થતું શાંત રસનું ઉદ્દીપન — એ તેમના ચિત્રોની મુખ્ય લાક્ષણિકતાઓ છે.
તેમના ચિત્રો ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા ગુજરાત પ્રવાસન નિગમ ખાતે સંગ્રહાયેલા છે. તેમના ચિત્રોના એકલ તેમજ સમૂહગત પ્રદર્શનો યોજાયેલાં છે.
પુરસ્કારો
ઊર્મિ પરીખને ૧૯૯૬માં ગુજરાત લલિતકલા અકાદમીનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તથા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.