Sairam Dave
Quick Facts
Biography
પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે (જન્મ: ફેબ્રુઆરી ૭, ૧૯૭૭), જેઓ તેમના ઉપનામ સાંઈરામ દવેથી વધુ જાણીતા છે, શિક્ષક, હાસ્યકલાકાર, લોકસાહિત્યકાર અને લેખક છે. તેમણે સૌથી યુવા વયે ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવ્યો હતો.
જીવન
કુટુંબ
મૂળ ગોંડલ શહેરના સાંઈરામ દવેનો જન્મ ૭ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ વિષ્ણુપ્રસાદ દવે તથા સરોજબેનને ત્યાં જામનગરમાં થયો. તેમના પિતા પ્રાચીન ભજનિક તેમજ નિવૃત શિક્ષક છે. તેમજ માતા પણ નિવૃત શિક્ષિકા છે. સાંઈરામનું વતન અમરનગર (તા. જેતપુર, જી. રાજકોટ) છે. પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા. કિશન દવે તથા અમિત દવે સાંઈરામના નાના ભાઈઓ છે. ૨૦૦૧માં સાંઈરામના લગ્ન ઝંખના (દિપાલી) ત્રિવેદી સાથે થયા હતા. ધ્રુવ અને ધર્મરાજ સાંઈરામના બે સંતાનો છે.
શિક્ષણ
તેમણે પ્રાથમિક શિક્ષણ અમરનગર ગામમાં પૂરું કર્યું. ત્યારબાદ ૧૯૯૧થી ૧૯૯૪ દરમ્યાન ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જીનીયરીંગ, પોલીટેકનીક રાજકોટ ખાતે કર્યું. ૧૯૯૫ થી ૧૯૯૭ દરમ્યાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, અમરેલી ખાતે તેઓએ પ્રાથમિક શિક્ષણ (P.T.C.) ની પદવી પ્રાપ્ત કરી, ૧૯૯૮ થી ૨૦૧૩ દરમ્યાન તેમણે સરકારી શાળા નં-પાંચ, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. ૨૦૧૫થી તેઓ 'નચિકેતા સ્કુલીંગ સિસ્ટમ' રાજકોટના સ્થાપક પ્રમુખ છે.
કારકિર્દી
૧૯૯૭થી લોકસાહિત્ય અને હાસ્યક્ષેત્રે તેમણે કર્મભૂમિ અમરેલીથી કાર્યક્રમો શરુ કર્યા. ૨૦૦૦ની સાલમાં આકાશવાણી અને દૂરદર્શનમાં માન્ય B-High grade ના કલાકાર બન્યા. ૨૦૦૧માં તેમની 'ચમન બનેગા કરોડપતિ' નામની હાસ્યની ઓડિયો કેસેટે સફળતા મેળવી. આ કેસેટ થકી તેમને ગુજરાતભરમાં ખુબ પ્રખ્યાતિ મળી.
૧૯૯૭ થી ૨૦૨૦ સુધીની પોતાની ૨૪ વર્ષની લોકકલાની કારકીર્દિ દરમ્યાન તેમણે અમેરિકા , યુ.કે, નાઈરોબી, સ્વીત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, દુબઈ, મસ્કત, અબુધાબી, ટાન્ઝાનીયા, કોંગો જેવા અનેક દેશોમાં પોતાના કાર્યક્રમો આપ્યા.
સર્જન
૭ ફેબ્રુઆરી ૨૦૦૫ ના રોજ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ તેના પ્રથમ કાવ્યસંગ્રહ 'સાંઈરામના હસતા અક્ષર' નું રાજકોટ ખાતે વિમોચન કર્યું. આ પુસ્તકની બીજી આવૃત્તિનું ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું.
તેમના પુસ્તકો:
- સાંઈરામના હસતા અક્ષર
- રંગ કસુંબલ ગુજરાતી (રાષ્ટ્રભક્તિના ગુજરાતના ગીતો)
- અક્ષરની આંગળીયુ ઝાલી
- અમથાં અમથાં કેમ ન હસીએ?
- હાસ્યનો હાઈવે
- હસો નહી તો મારા સમ
- સ્માઈલનું સુનામી
- સાંઈરામનો હાસ્યદરબાર
- પેરેન્ટીંગ સોલ્યુશન્સ
- હું દુનિયાને હસાવું છું
- સ્માઈલરામ
- પાંચજન્ય
- મામાનું ઘર કેટલે? (બાળગીતો)
પુરસ્કારો
- ૨૦૦૭ - ગુજરાત ગૌરવ પુરસ્કાર
- ૨૦૧૭ - ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ
- ૨૦૧૮ - જેમ ઓફ ગુજરાત એવોર્ડ (વિશ્વ ગુજરાતી સંગઠન)
- ૨૦૨૦ - વર્લ્ડસ અમેઝિંગ ટેલેન્ટ (World Talent Organization)