Jethalal Joshi
Quick Facts
Biography
જેઠાલાલ ડુંગરજી જોષી (૨૬ ઓગષ્ટ ૧૮૯૮ – ૧૭ ડીસેમ્બર ૧૯૮૯) હિન્દી સાહિત્યકાર અને અનુવાદક હતાં, જેમણે ગુજરાતમાં હિન્દી શિક્ષણ અને હિન્દી સાહિત્યનો પ્રસાર-પ્રચાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ભારત દેશની આઝાદી પહેલાં મહાત્મા ગાંધીના આહવાનને પ્રતિસાદ આપી 'હિન્દી સેવા એ દેશ સેવા છે' — સૂત્ર એમણે સ્વિકાર્યુ હતુ. ગુજરાતી-હિન્દી સાહિત્યમાંથી ઉત્તમ સાહિત્ય પસંદ કરી બંને ભાષામાં પરસ્પર અનુવાદની પ્રવૃત્તિ એમણે કરી હતી.
પ્રારંભિક જીવન
જેઠાલાલ જોષીનો જન્મ ૨૬ ઓગષ્ટ ૧૮૯૮ના રોજ કુશલગઢ, રાજસ્થાન ખાતે થયો હતો. તેમના પૂર્વજો મૂળ સાબરકાંઠાના બામણા (હાલ અરવલ્લીમાં) ગામમાં રહેતા હતાં, એમાંથી એક પૂર્વજ કુશલગઢ જઈને સ્થાયી થયા હતા અને ત્યા જ જેઠાલાલનો જન્મ થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ કુશલગઢમાં લીધું હતું. હાઈસ્કુલના શિક્ષણ માટે ૧૯૧૪માં તેઓ અમદાવાદ આવ્યા અને પ્રોપ્રાયટરી હાઇસ્કુલમાં માધ્યમિક શિક્ષણ માટે દાખલ થયા. ૧૯૧૯માં એમણે અસહકારની ચળવળમાં ભાગ લેવા શાળા શિક્ષણ છોડ્યું. તેઓ ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની રાષ્ટ્ર્રીય કક્ષાની મેટ્રીક સમકક્ષ 'વિનિત' પરિક્ષામાં ઉત્તિર્ણ થયા, અને ત્યારબાદ હિન્દી સાહિત્ય સંમેલનની બી.એ સમકક્ષ 'વિશારદ' પરિક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરી સાહિત્યવિશારદની પદવી પ્રાપ્ત કરી.
કારકિર્દી
૧૯૨૫માં એમણે વનિતા વિશ્રામ ગર્લ્સ હાઇસ્કુલ, અમદાવાદમાં હિન્દીનું અધ્યાપન શરું કર્યું. ઉપરાંત પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં અને ગવર્નમેંટ ગર્લ્સ હાઇસ્કુલમાં હિન્દીનું અધ્યાપન કાર્ય કર્યું. સાબરમતી આશ્રમ ખાતે તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા અને ગાંધીજીના આહવાનથી પ્રેરાઈને એમણે હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં પોતાનું જીવન સમર્પિત કર્યું.1937માં એમણે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધામાં સક્રિય યોગદાન આપવાનું શરું કર્યું. 1946માં ગુજરાત પ્રાંતિય હિન્દી પ્રચાર સમિતિની રચના થઈ જેનું સૂકાન એમણે આજીવન સંભાળ્યું. એમણે ૧૯૩૮માં હરીપુરામાં સુરત કોગ્રેસ અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી હિન્દી વ્યાકરણનો વ્યવહારિક કોશ તૈયાર કર્યો. ૧૯૪૧માંહિન્દી પત્રિકાનો આરંભ કર્યો અને આજીવન તેના સંપાદક રહ્યાં. એમણે સૌ પ્રથમ હિન્દીની પરિક્ષા લેવાનો આરંભ ત્રણ વિદ્યાર્થીઓથી કર્યો અને ૧૯૮૮ સુધીમાં આશરે 29 લાખ વિદ્યાર્થીઓએ હિન્દીની પરિક્ષાઓ આપી.
સર્જન
એમણે હિન્દીમાં 'કવિ શ્રીમાલા'માં દયારામ અને સુન્દરમ્ વિશે; 'ભારત ભારતી ગુજરાતી'; 'અમારી રાષ્ટ્રભાષા' (ભાગ ૧ થી ૬); 'રાષ્ટ્રભાષા વ્યાકરણ' (ભાગ ૧ થી ૩); ગુજરાતીમાં 'દક્ષિણ દર્શન'; 'જીવન-સાધના'; 'શુધ્ધ હિન્દી' વગેરે પુસ્તકો લખ્યા છે. એમણે 'સુમિત્રાનંદન પંતના કેટલાંક કાવ્યો' હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદીત કરેલ છે. તેમજ 'ગુજરાતીની પ્રતિનિધી કહાનિઓ' ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કરેલ છે. આ ઉપરાંત હિન્દીમાં પ્રકાશિત પત્રિકા 'રાષ્ટ્રવીણા'નું સંપાદન કાર્ય એમણે ૧૯૫૧થી ૧૯૮૮ સુધી કરેલું.
પુરસ્કાર
એમના 'મહાત્મા ગાંધીના ૧૧ પત્રો'ને રાષ્ટ્ર્ર્ભાષા પ્રચાર સમિતિ, વર્ધા દ્વારા 'શ્રેષ્ઠ હિન્દી પ્રચારક' નો પુરસ્કાર (૨૦ જુલાઇ ૧૯૫૮) પ્રાપ્ત થયેલ છે. એમણે હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ દ્વારા 'સાહિત્યવાચસ્પતિ' (1977) તથા કેન્દ્રીય હિન્દી સંસ્થાન, આગ્રા દ્વારા 'ગંગાશરણ સિંહ પુરસ્કાર' (૧૯૮૯) પ્રાપ્ત થયેલ છે.
સંદર્ભો
પૂરક વાચન
- भट्ट, आचार्य रघुनाथ, સંપા. (१९८८). श्री जेठालाल जोषी अभिनन्दन–ग्रन्थ (હિન્દી માં). अहमदाबाद: गुजरात प्रान्तीय राष्ट्रभाषा प्रचार समिति. OCLC 34491732.