Hasmukh Pathak
Quick Facts
Biography
હસમુખ હરિલાલ પાઠક (૧૨-૨-૧૯૩૦) : કવિ, અનુવાદક. જન્મ પાલીતાણામાં. ૧૯૫૪માં ગુજરાત કૉલેજમાંથી બી.એસસી. ૧૯૫૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ અને ૧૯૬૪માં માસ્ટર ઑવ લાઇબ્રેરી સાયન્સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી અટિરા અને મા. જે. પુસ્તકાલય, અમદાવાદમાં ગ્રંથપાલ. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી હાઈલેસેલાસી યુનિવર્સિટી, અડીસ-અબાબામાં ગ્રંથપાલ. ૧૯૭૦થી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઑવ ઇકોનોમિક ઍન્ડ સોશિયલ રિસર્ચમાં ગ્રંથપાલ. ૧૯૭૧-૮૦ દરમિયાન એ જ સંસ્થાનાં ‘અન્વેષક’ (અંગ્રેજી) અને ‘માધુકરી’ સામયિકોના તંત્રી.
તેઓ સ્વાતંત્ર્યોત્તર કાળના પ્રયોગશીલ કવિ છે. પ્રત્યેક કૃતિમાં વિષયવસ્તુ, છંદ-લય અને અભિવ્યક્તિના નવા પ્રયોગો માટે મથતા આ કવિએ ‘નમેલી સાંજ’ (૧૯૫૮)ની અઢાર રચનાઓ ઉમેરી છે. બંને ખંડની રચનાઓ ભાવબોધ અને અભિવ્યક્તિની રીતે ભિન્ન છે.
‘નમેલી સાંજ’ની ‘સાંજ’, ‘તણખલું’, ‘આંબો’, ‘કોઈને કાંઈ પૂછવું છે ?’, ‘પશુલોક’, ‘વૃદ્ધ’, ‘મૃત્યુ’, ‘રાજઘાટ પર’ વગેરે રચનાઓ વ્યંજનાગર્ભ સંકુલ પ્રતીકાત્મકતા, કૌંસના ઉપયોગ દ્વારા બે સ્તરે ચાલતી ગતિ, માત્રામેળ છંદોના ખંડકોનો પરંપરિત પ્રયોગ અને આધુનિક ભાવબોધ જેવી લાક્ષણિકતાઓથી ધ્યાનાર્હ છે. મૃત્યુ, પ્રેમ, ચૈતન્યતત્ત્વ જેવા ગહન-વ્યાપક ભાવોને વિષય બનાવતી ‘શિર નમ્યું’, પૌરાણિક પાત્રો કે પ્રસંગોને આધારે લખાયેલી ‘અંતઘડીએ અજામિલ’, અંતર-અવગાહન કરતી ‘ગજેન્દ્ર ચિંતન’ વગેરે દીર્ઘ રચનાઓ ગદ્યલયની અનેક શક્યતાઓને પ્રગટાવે છે.
એમણે ચેક કવિ મીરોસ્લાફ હોલુબનાં કાવ્યોનો ‘વસ્તુનું મૂળ અને બીજાં કાવ્યો’ (૧૯૭૬) નામે અનુવાદ કર્યો છે, તેમાં એમની કવિ તરીકેની સઘળી ઉત્તમ લાક્ષણિકતાઓનો વિનિયોગ થયો છે. ઉપરાંત જાપાની નાટ્યકાર જુન્જી કિનોશિટાના નાટક ‘ટવીનાઈટ’નો અનુવાદ ‘સારસીનો સ્નેહ’ (૧૯૬૩) નામે કર્યો છે. ‘મા દીકરો’ (૧૯૫૭) અને ‘રાત્રિ પછીનો દિવસ’ (૧૯૬૩) એ બે વાર્તાઓ પણ એમણે લખી છે.
સાયુજ્ય (૧૯૭૨) : હસમુખ પાઠકનો આધુનિક કવિત્વરીતિને અનુસરતાં પ્રયોગશીલ કાવ્યોનો સંગ્રહ. અહી પ્રથમ કાવ્યસંગ્રહ ‘નમેલી સાંજ’નાં કેટલાંક કાવ્યોના પુનર્મુદ્રણ સાથે અઢાર જેટલી નવી રચનાઓ છે. ‘સાંજ’, ‘વૃદ્ધ’, ‘કોઈને કાંઈ પૂછવું છે?’ જેવાં કાવ્યોમાં કવિની વક્રદ્રષ્ટિ સાંપ્રત સમયની વિસંવાદિતાઓને લય, પ્રાસ, પ્રતીક અને કૌંસની પ્રયુક્તિઓ દ્વારા સાર્થ રીતે નિરૂપે છે. પંક્તિઓની સહેતુક વિશિષ્ટ ગોઠવણી કરીને કવિતાનો દ્રશ્ય આકાર ઉપસાવવાનો પ્રયત્ન પણ અહીં છે. ઊર્ધ્વગામી થવા મથતી કવિની ભાવના અજામિલ અને ગજેન્દ્ર જેવાં પુરાકલ્પનો દ્વારા પ્રગટ થઈ છે. ‘એક ને એક’, ‘વિચાર એટલે’, ‘ઈચ્છામૃત્યુ’ જેવાં કાવ્યોનો આરંભ આકર્ષક છે.
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.