Harikrishna Pathak
Quick Facts
Biography
હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક(૫-૮-૧૯૩૮) : કવિ. જન્મ બોટાદ (જિ. ભાવનગર)માં. વતન ભોળાદ (જિ. અમદાવાદ). ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૬૧-૬૨માં સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક. ૧૯૬૩ થી ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ. પછીથી વિભાગીય અધિકારી. ૧૯૬૭માં કાવ્યસર્જન માટે સુવર્ણચંદ્રક.
‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. ‘અડવાપચીસી’ (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. ‘કોઈનું કંઈ ખોવાય છે’ (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. ‘ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૯), ‘નૂતન ગુજરાત’માં ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. ‘મોરબંગલો’ (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. ‘નગર વસે છે’ (૧૯૭૮) એ ‘બૃહસ્પતિ સભા’ના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે આપેલું સંપાદન છે.
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.