Dahyabhai Dholashaj
Quick Facts
Biography
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી (તખલ્લુસ: નવીન) (૧૯ માર્ચ ૧૮૬૭ – ૩૦ અપ્રિલ ૧૯૦૨) ગુજરાતી નાટ્યકાર હતા.
જીવન
ડાહ્યાભાઈનો જન્મ ૧૯ માર્ચ ૧૮૬૭નો રોજ અમદાવાદમાં એક જૈન વીશા ઓસવાળ જ્ઞાતિના શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેમના પિતા ધોળશાજીને ઝવેરાતનો વ્યવસાય હતો. ડાહ્યાભાઈએ ૧૮૮૫માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, અને ત્યારપછી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા, પરંતુ એક વર્ષ બાદ અભ્યાસ છોડી દીધો.
૩૦ અપ્રિલ ૧૯૦૨ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.
જયંતિ દલાલે ડાહ્યાભાઈના નાટકો 'શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો' મણકો ૧,૨,૩ શિર્ષક હેઠળ સંપાદિત કર્યા હતાં. આ સંપાદન ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા ૧૯૭૦માં પ્રગટ થયું હતું.
પ્રદાન
ગુજરાતી નાટકક્ષેત્રે તેમણે વિશિષ્ટ પ્રદાન કરેલ છે. તેમને ધના દેસાઈ અને ધમલા માળી જેવાં હાસ્યપોષક ખલપાત્રો (comic villains)નું સર્જન કરેલું. તેમણે લોકગીતો અને લોકકથાનો નાટકોમાં બહોળો ઉપયોગ કર્યો હતો. રંગમંચ ઉપર સચોટ સંવાદ લખવાની પ્રથા, ગીતોની આકર્ષક તરજો બાંધવાની, યુગલગીતો મૂકવાની તેમજ 'ટેબ્લો' ગોઠવવાની પ્રથા તેમણે શરૂ કરી હતી. ૧૮૮૯માં કાલિદાસના 'અભિજ્ઞાન શાકુંતલમ્' નાટકનો અનુવાદ દ્વારા તેમણે સાહિત્યસર્જનની શરૂઆત કરી હતી.
તેમના નાટકોમાં મનુષ્યજીવનના દુ:ખો અને અને સુખો જેવા સંવદનોની છાયાઓ અંકિત થયેલી છે, તથા એમાં સદાચાર તથા નીતિનો બોધ વણાયેલા છે.
નાટકો
- શાકુન્તલ (૧૮૮૦)
- સતી સંયુક્તા (૧૮૯૧)
- સુભદ્રાહરણ (૧૮૯૨)
- ભોજરાજ (૧૮૯૨)
- ઉર્વશી અપ્સરા (૧૮૯૨)
- વીર વિક્રમાદિત્ય (૧૮૯૩)
- રામરાજ્યવિયોગ (૧૮૯૩)
- સતી પાર્વતી (૧૮૯૪)
- ભગતરાજ (૧૮૯૪)
- કેશર-કિશોર (૧૮૯૪–૯૫)
- ભોજરાજ (૧૮૯૫)
- મ્યુનિસિપલ ઇલેક્શન (૧૮૯૫)
- અશ્રુમતી (૧૮૯૫)
- રામવિયોગ (૧૮૯૭)
- સરદારબા (૧૮૯૭)
- ઉમા દેવડી (૧૮૯૮)
- તરુણભોજ (૧૮૯૮)
- ભોજકુમાર (૧૮૯૮)
- તારાસુંદરી (૧૮૯૮)
- વીણા-વેલી (૧૮૯૯)
- વિજયાવિજય (૧૯૦૦)
- ઉદય ભાણ (૧૯૦૧)
- મોહિની ચંદ્ર (૧૯૦૩)
- વિજય–કમળા (૧૮૯૮–૧૯૦૪); એક અંક ડાહ્યાભાઈએ અને એક અંક છોટાલાલ ઋખદેવ શર્માએ લખેલો
સંદર્ભો
બાહ્ય કડીઓ
- ડાહ્યાભાઈ ધોળશાજી- સર્જન અથવા તેમના વિશે વધુ માહિતી ઇન્ટરનેટ અર્કાઇવ પર