Bhogilal Sandesara
Quick Facts
Biography
સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ (૧૩-૪-૧૯૧૭) : વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક.
૧૯૫૦માં પીએચ.ડી. ૧૯૫૦ થી ૧૯૭૫ સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વત્તાથી આ લેખકે કાર્ય કર્યું છે. જરૂરી સારદર્શન દ્વારા, જરૂરી અનુવાદો અને ટિપ્પણો દ્વારા શાસ્ત્રીય રીતે સંકલિત અને સંપાદિત કરેલી સામગ્રી સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાયો તેમ જ ગુણદર્શી પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે.
પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની વૃત્તરચનાથઈ આગળ વધતું ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (૧૯૪૧), ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાનો આપતું ‘શબ્દ અને અર્થ’ (૧૯૫૪), શોધપ્રબંધ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ (૧૯૫૭), પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું ‘પ્રદક્ષિણા’ (૧૯૫૯), ‘દયારામ’ (૧૯૬૦), લેખસંગ્રહ ‘સંશોધનની કેડી’ (૧૯૬૧), ‘ઇતિહાસ અને સાહિત્ય’ (૧૯૬૬), ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો ‘અન્વેષણા’ (૧૯૬૭) અને ‘અનુસ્મૃતિ’ (૧૯૭૩), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ (૧૯૭૮) વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.
‘વાઘેલાઓનું ગુજરાત’ (૧૯૩૯), ‘ઇતિહાસની કેડી’ (૧૯૪૫), ‘જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ’ (૧૯૪૮), ‘જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો’ (૧૯૫૧), ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’ (૧૯૫૨) વગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક પુસ્તકો છે.
એમનાં સંપાદનોમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી’ (૧૯૩૩), ‘માધવકૃત રૂપસુન્દરકથા’ (૧૯૩૪), ‘વીરસિંહકૃત ઉષાહરણ’ (૧૯૩૮), ‘મતિસાર કર્પૂરમંજરી’ (૧૯૪૧), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’ (૧૯૪૮), ‘મહીરાજકૃત નલદવદંતીરાસ’ (૧૯૫૪), ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ (૧૯૫૫), ‘વર્ણકસમુચ્ચય’ –ભા. ૧, ૨ (૧૯૫૬, ૧૯૫૯), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્’ (૧૯૬૧), ‘યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ’ –ભા.૧ (૧૯૬૩), ‘મલ્લપુરાણ’ (૧૯૬૪), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં રામશતકમ્’ (૧૯૬૫), ‘ગંઘાધરપ્રણીતં ગંગાદાસપ્રતાપવિલાસનાટક્મ્’ (૧૯૭૩) અને ‘અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ’ (૧૯૭૩) મહત્વનાં છે.
‘સંઘદાસગણિકૃત વસુદેવદિંડી’ (૧૯૪૬) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.