Prajaram Raval

Gujarati author
The basics

Quick Facts

IntroGujarati author
PlacesIndia
wasWriter
Work fieldLiterature
Gender
Male
Birth3 May 1917, Wadhwan State
Death28 April 1991 (aged 74 years)
Star signTaurus
The details

Biography

પ્રજારામ નરોત્તમ રાવળ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. એમણે કવિ તથા અનુવાદક તરીકે સાહિત્ય સર્જન કર્યું હતું.

અભ્યાસ અને કારકિર્દી

એમનો જન્મ એમના વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ ખાતે ૩ મે, ૧૯૧૭ના દિવસે થયો હતો. અહીં જ એમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેઓ મેટ્રિક થયા બાદ ઈ. સ. ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા. ઈ. સ. ૧૯૫૪થી ઈ. સ. ૧૯૭૨ સુધી એમણે ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને ત્યારબાદ ઈ. સ. ૧૯૭૫ સુધી આચાર્ય તરીકે કાર્ય ક્ર્યું હતું. તેઓ વ્યવસાયે વૈદ હતા. એમનું અવસાન ૨૮ એપ્રિલ, ૧૯૯૧ના રોજ થયું હતું.

સર્જન

એમનું કાવ્યસર્જન શરૂ થયું ગાંધીયુગના કવિઓની સાથે. ગોવિંદસ્વામી સાથે પ્રગટ કરેલી મહાયુદ્ધ (૧૯૪૦) નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં આગામી મહાયુદ્ધ કાવ્ય એમણે રચેલું છે. વિશ્વયુદ્ધની ભયંકરતાના નિર્દેશ સાથે વિશ્વપ્રેમની ઝંખના એમાં પ્રગટ થઈ છે. એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ પદ્મા (૧૯૫૬) ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે, કારણ કે સૉનેટનું સ્વરૂપ કે વિશ્વપ્રેમની ભાવનાને બાદ કરતાં ગાંધીયુગની કવિતાનો પ્રભાવ એમની કવિતા પર નહિવત્ છે. એમના બીજા બે કાવ્યસંગ્રહો નાન્દી (૧૯૬૩) અને નૈવેદ્ય (૧૯૮૦) દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને તેથી એમની મોટા ભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે. વિવિધ ઋતુઓ અને પ્રકૃતિનાં વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે. ગીત, સૉનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે. ઝાલાવાડી ધરતી વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.

પરબ્રહ્મ (૧૯૬૬)માં શ્રી અરવિંદનાં કાવ્યો અનૂદિત છે; તો રઘુવંશ (૧૯૮૫) એમનો કાલિદાસના મહાકાવ્યનો સમશ્લોકી અનુવાદ છે. પ્રતિપદા (૧૯૪૮) એ એમનો ગોવિંદસ્વામીનાં કાવ્યોનો સહસંપાદનનો ગ્રંથ છે. બુદ્ધિનો બાદશાહ (૧૯૬૮) અને આયુર્વેદનું અમૃત એમના અન્ય ગ્રંથો છે.

પદ્મા (૧૯૫૬) પ્રજારામ રાવળનો કાવ્યસંગ્રહ. કુલ ૧૨૧ રચનાઓમાં કેટલાંક ગીતો છે, તો કેટલાંક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે. મુખ્યત્વે ઊર્ધ્વ ચેતનાનો કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે; તેમ છતાં પ્રકૃતિ અને ખાસ તો ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે. એમાંય, ઝાલાવાડી ધરતી એમના વતનની ભૂમિને હૂબહૂ કરતી નખશિખ ગીતરચના છે. સંસ્કૃતના સંસ્કારવાળી છતાં સુગમ અને સુશ્લિષ્ટ પદાવલિ નોંધપાત્ર છે.

બાહ્ય કડીઓ

The contents of this page are sourced from Wikipedia article on 25 Apr 2020. The contents are available under the CC BY-SA 4.0 license.